ફળનો રાજા અને ગીરની રાણી કેસર કેરીનો ગજબ ઇતિહાસ

ગીરની કેસર કેરીનો રસપ્રદ ઇતિહાસ રહ્યો છે. નવાબીકાળમાં જેના મંડાણ થયા હતા તે કેસર કેરી આજ કાલ લોકોની દાઢે વળગી છે. મુસલમાનો એ આપેલ ભેટ લીલા અને કેસરી રંગ નો અદભુત સમન્વય છે. હિન્દૂ કાઠિયાવાડી રાજવાડાએ તનતોડ મહેનત થી જેની સુગંધ અને સોડમ પુરાય વિશ્વ માં ફેલાવી છે. જૂનાગઢના નવાબ મહાબત ખાન - બીજાના વખતમાં 'સાલેભાઈની આંબડી' તરીકે ઓળખાતી કેરી મહાબતખાન -ત્રીજાના વખતમાં કેવી રીતે 'કેસર' બની એની કહાની પણ કેસર કેરી સ્વાદ જેવી જ મીઠી મધુરી છે.

કેસર કેરીનાં મૂળ નવાબી કાળમાં નખાયાં હતાં. જેનો સ્વાદ દાઢે વળગ્યો છે એ કેસર કેરી માટે જૂનાગઢના નવાબનો આભાર માનવો રહ્યો. જો કે ભાગલા વખતે તે ભાગીને પાકિસ્તાન જતા રહ્યા તે કમનસીબી છે. ઇતિહાસ કારો લખે છે કે નવાબ કેસરની ભેટ આપી ગયા પણ દેશના ભાગલા પડતા જ તે જૂનાગઢ છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા.

1850ના દાયકાથી કેસર કેરીનું વાવેતર અને વિકાસ સોરઠમાં થયો છે. જે આજે 25000 હેક્ટર વિસ્તારમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ફેલાયેલો છે.

કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. ખરેખર, કેરીમાં એવા અનમોલ ગુણો છુપાયેલ છેકે આને  કારણે જ ફળનો રાજા કહેવાય છે. આયુર્વેદ, વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્રના અવલોકનોના આધારે ફળોના રાજા કેરી વિષે દુર્લભ વર્ણન કરવામાં આવ્યું છે. એક પાકી કેરી વિવિધ કુદરતી તત્વોથી ભરપુર હોય છે. કેરીમાં વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઇબર, કાર્બૉહાઇડ્રેડ, પ્રૉટીન, ફેટ, વિવિધ પ્રકારના વિટામિન એ, ઇ, અને કે હોય છે. આ ઉપરાંત કેરીમાં સૉડીયમ, પૉટેશીયમ, કેલ્શિયમ, કૉપર વગેરે જેવા આવશ્યક તત્વો હોય છે.

કેસર કેરીના જિઓગ્રોફીકલ ઇન્ડિકેશનના રજીસ્ટ્રેશન નંબર 185 નંબરની એ જુનાગઢ ગ્રીકલ્ચર યુનિવર્સિટીની અરજીમાં કેસરના ઇતિહાસ વિશે રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, "1851થી 1882 સુધી જૂનાગઢમાં નવાબ મહાબતખાન-બીજાનું શાસન હતું. એ વખતે સાલેભાઈ નામના એક ખેડૂત માંગરોળ વિસ્તારમાં હતા. તેમણે પોતાના બગીચામાં મોટા કદની કેરીઓ જોઈ. આ કેરીઓ રાબેતા મુજબની કેરી કરતાં ખાસ્સી અલગ હતી. આ વિશિષ્ટ કેરી પાકીને ઝાડ પરથી નીચે પડી ત્યારે સાલેભાઈએ તેનો સ્વાદ ચાખ્યો. સાલેભાઈને એ કેરીનો સ્વાદ અન્ય કેરીના સ્વાદ કરતાં વધુ બહેતર લાગ્યો. તેમણે એ કેરી નવાબ મહાબતખાન બીજાને ભેટમાં આપી. નવાબે તેના દરબારીઓ સાથે કેરીનો સ્વાદ માણ્યો. નવાબને તે કેરી અત્યંત મધુર, સોડમદાર અને રેસા વગરની લાગી. સ્વાદ-સુગંધમાં આ કેરી અન્ય કેરીઓ કરતાં ચઢિયાતી હતી. એ કેરીને સૌ પ્રથમ જૂનાગઢના નવાબ મહાબતખાન - બીજા દ્વારા સરાહના મળી હતી. તેમણે એ કેરીને 'સાલેભાઈની આંબડી 'નામ આપ્યું હતું. નવાબને કેરી પસંદ પડી એટલે તેની કલમો મંગાવી અને જૂનાગઢમાં રોપાવી.

1887થી 1909 દરમ્યાન જૂનાગઢના દીવાન હરપ્રસાદ ઉદયશંકર દેસાઈએ માંગરોળ અને ચોરવાડના વિસ્તારોમાં સાલેભાઈની આંબડીનું વાવેતર કર્યું હતું. ટૂંકમાં, નવાબ મહાબતખાન - બીજાના સમયમાં જ કેસર કેરીનો સ્વાદ મશહૂર થઈ ગયો હતો. એ વખતે તે 'કેસર' તરીકે નહીં પણ 'સાલેભાઈની આંબડી' તરીકે જ પ્રચલિત હતી.

તો પછી કેસર નામ કેવી રીતે પડ્યું ?

મહાબત ખાન - બીજાના વખતમાં મશહુર થયેલી સાલેભાઈની આંબડીની સોડમ મહાબત ખાન-ત્રીજાના વખતમાં વધુ વિસ્તરે છે. નવાબ મહાબતખાન-ત્રીજાના સમયગાળામાં એટલે કે 1920થી 1947દરમ્યાન એ.એસ.કે. આયંગર જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ હતા.

'તેમણે 'સાલેભાઈની આંબડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કર્યો. તેના કદ, રસ, સુગંધમાં થતાં ફેરફાર નોંધ્યા. કેરીના કેસરીયાળા ગરને ધ્યાનમાં રાખીને તેમણે સાલેભાઈની આંબડીને 'કેસર' નામ આપ્યું. તેમણે કેસરની વિવિધ જાતોને ગિરનારની તળેટીમાં દુધેશ્વર ખાતેના આંબાવનમાં ઉછેરી. જૂનાગઢના સક્કરબાગ અને લાલઘોરી બગીચામાં પણ તેમણે કેસરની કલમો ઉછેરી.

તેમણે ઉછેરેલી કેસરની વિવિધ જાતો કાઠિયાવાડના વિવિધ રજવાડાઓને પણ પસંદ પડી. એ પછી કાઠિયાવાડમાં વિવિધ રજવાડાઓએ પણ કેસરની જાતોનું વાવેતર કર્યું હતું.

હિન્દુ અને મુસલમાન વચ્ચે એકતા નુ શ્રેષ્ઠ પ્રતિક તરીકે પણ આ ગીરની કેસર કેરી ગણી શકાય 

કેસર કેરીનું અધિકારીક નામ ક્યારે અપાયું ?

25 મે 1934ના રોજ જૂનાગઢ નવાબે કેરીને 'કેસર' નામ આપ્યું હતું. નવાબને કેરી 25 મેના રોજ પિરસાઈ હતી. કેરીનો કેસરી રંગ તેમજ લહેજતદાર સ્વાદને ધ્યાનમાં રાખીને તેને 'કેસર' નામ આપ્યું હતું. આમ તો 25 મે કેસર કેરીનો જન્મ દિવસ ગણાવો જોઈએ. 10 મે પછી તમે ગીરની કેસર કેરી ખાશો તો એના ગરનો રંગ કેસરી હશે અને તેની સુગંધ મઘમઘતી હશે.

સાલેભાઈની વાડી વંથલીમાં હતી. કેસર કેરી સૌ પ્રથમ ત્યાં જોવા મળી હતી. સાલેભાઈ માંગરોળના શેખ હુસેન મિયાંના મિત્ર હતા. સાલેભાઈએ શેખ હુસેન મિયાંને કેરી આપી હતી. હુસેન મિયાંને પણ એ કેરીનો સ્વાદ ખૂબ પસંદ પડ્યો હતો. હુસેન મિયાં દ્વારા જ એ કેરીની વિગત જૂનાગઢના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ એ. એસ. કે. આયંગર પાસે પહોંચી હતી. ત્યાર પછી આયંગરસાહેબ 25 કલમો વંથલીથી લાવ્યા હતા અને જૂનાગઢના તળેટી વિસ્તારમાં તેનું વાવેતર કર્યું હતું. ત્રણેક વર્ષ પછી એટલે કે 1934માં જે ફાલ ઉતર્યો તે કેરી મહાબતખાન - ત્રીજાને પીરસાઈ હતી. તેનો કેસરીયાળો રંગ તેમજ કેસરની જેમ ઊઘડતી મબલખ સુગંધ જોઈને નવાબે તેને 'કેસર' નામ આપ્યું હતું.

કેસર કચ્છ, વલસાડ, ભાવનગર અને બીજા વિસ્તારોમાં પણ ગઈ પણ ગીર જંગલના આજુ બાજુ વિસ્તાર ની કેરી વધુ કેરીના રસિયા વધુ પસંદ કરે છે.અને વધુમાં સ્વાદ સુગંધ અને રંગમાં ગીરની કેરીને કોઈ ટક્કર મારી શકે તેમ નથી.

કેરીના રસિયાનું કહેવું છે કે તમામ કેસર કેરીઓમાં ગીરની કેસર કેરી મધ જેવી મીઠી છે. કેસર કેરીનું મોટું હબ તાલાલા ગણાય છે.

કેસર કેરી તો તાલાલા ગીર ની જ !

કેસર કેરીની માગ એવી છે કે સૌરાષ્ટ્રમાં તો કેરી એટલે ‘કેસર’ એવું જ કહેવાય છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સમયે કેરીની સો જેટલી જાતનું ઉત્પાદન થતું હતું. હવે મોટેભાગે ખેડૂતો કેસરનું જ ઉત્પાદન વધુ લે છે.

કેસર કેરીની ઉત્પાદન પદ્ધતિમાં પણ અવનવા પ્રયોગો થવા માંડ્યા છે. ટપક સિંચાઈ પદ્ધતિ અનુસાર પણ ખેડૂતો કેસરનો પાક લેવા માંડ્યા છે. જુના આંબામાં કેરી આવે તેના કરતાં નવા આંબામાં કેરી પ્રમાણમાં સારી આવે છે.

કેસર કેરીનું વાવેતર ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાના ગામોમાં થાય છે. 25000 હેક્ટરમાં દર વર્ષે કેસર કેરીનું ઉત્પાદન થાય છે. તાલાળા-ગીરની કેસરની સોડમ સરહદો વટાવીને સાત સમંદર પાર પહોંચી છે. ગીરની કેસર કેરીની સૌથી વધુ નિકાસ અરબ દેશો અને યુરોપ માં થાય છે. જંગલ વિસ્તારની નજીક આવેલા આંબાની કેરી સ્વાદ, સુગંધમાં ગામ કે સીમમાં આવેલા આંબાની કેરી કરતા ચડિયાતી હોય છે. આવી કેરીના બજાર ભાવ ઊચા હોય છે

કેસર કેરી મહોત્સવ

સરકાર ખેડૂતના ખેતરે થી ગ્રાહકના ઘર સુધીના સૂત્ર સાથે ખેડૂતોને જાગૃત કરી રહી છે જેની સફળતાનું ઉત્તમ ઉદાહરણ હોય તો આ કેસર કેરી મહોત્સવ છે. જેમાં ખેડૂતો જ સીધા શહેરીજનોને કેરી વેચે છે. આ મહોત્સવ થી ખેડૂત અને ગ્રાહક બંને ને ફાયદો જ ફાયદો છે. કેસર કેરી મહોત્સવ 2009થી અમદાવાદ , ગાંધીનગર, વડોદરા દિલ્હી, મુંબઇ કેવા મોટા શહેરો થતા હોય છે.

આવા આયોજન થકી ગ્રાહકને શ્રેષ્ઠ અને સારી ગુણવત્તાની કાર્બાઈડ ફ્રી કેસર કેરી ખેડૂત પાસેથી મળી રહે અનેખેડૂતો ને સારા ભાવ મળી રહે છે.

કેરી ખાવાના આ ફાયદાઓ

માણીએ સોરઠ મન ભરી